Tag Archives: અયોધ્યા

અયોધ્યા ચૂકાદો


આઝાદ ભારતના તકદીરમાં બહુ મોટો ભાગ ભજવનારા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરીસરના માલિકી હકનો ચુકાદો 60 વર્ષ બાદ આવી ગયો છે. આ ચુકાદા પહેલા કહેવાતું હતું કે આ ચુકાદો કોઈની હાર પણ નથી અને કોઈની જીત પણ નથી. જો કે કહેવામાં આવે છે કે જે પણ પક્ષ ચુકાદાથી સંતુષ્ટ નહીં હોય, તે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવશે.

10,000 પૃષ્ઠનો ચુકાદો આવ્યો

લખનૌ ખંડપીઠે 2 વિરુદ્ધ 1થી સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો

કોર્ટે બહાર આવેલા વકીલોને પત્રકારોએ ઘેરી લીધા

બહુમતીથી લખનૌ ખંડપીઠે માન્યું કે વિવાદીત રામજન્મભૂમિ રામલલ્લાની મૂર્તિ જ્યાં છે, ત્યાં યથાવત રાખવી

શંકરલાલે કરેલા મેપિંગ મુજબ 1/3 જમીન  નિર્મોહી અખાડાને, 1/3 જમીન હિંદુઓને અને 1/3 જમીન વક્ફ બોર્ડને આપવી

અપીલ માટે અસંતુષ્ટ પક્ષને 90 દિવસનો સમય

સુન્ની વક્ફ બોર્ડ સુપ્રિમમાં જશે, વકીલ જફરયાબ જિલાનીનું નિવેદન

http://www.rjbm.nic.in અને www.allahbadhighcourt.in/ayodhyabench.html વેબસાઈટ્સ પર ત્રણેય જજના ચુકાદા ઉપલબ્ધ છે

હિંદુ મહાસભાના વકીલ રવિશંકર પ્રસાદે જમીન હિંદુઓને સોંપવા મુસ્લિમોને અપીલ કરી.

મીર બાંકી દ્વારા બાબરના નિર્દેશથી મસ્જિદ બનાવાય હતી.

એએસઆઈ રિપોર્ટ પ્રમાણે ત્યાં મંદિર હતું.

આ પહેલા 24 સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠ ચુકાદો સંભળાવાની હતી. પરંતુ આ કેસના એક પક્ષકાર રમેશચંદ્ર ત્રિપાઠીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં કોર્ટ બહાર સમજૂતી માટે ચુકાદો ટાળી દેવા માટે અરજી કરી હતી. જો કે અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી દંડિત કરાયેલા રમેશચંદ્ર ત્રિપાઠીએ સુપ્રિમ કોર્ટમાં ચુકાદો ટાળવાની અરજી કરી હતી. તેના પર 23 સપ્ટેમ્બરે ચુકાદા પર વચગાળાની રોક લગાવી હતી.

આ સંદર્ભે આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે મુખ્ય ન્યાયાધીશ એસ.એચ.કપાડિયાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની વિશેષ ખંડપીઠે અરજી પર સુનાવણી કરી. સુપ્રિમ કોર્ટે દલીલો બાદ 28 સપ્ટેમ્બરે 2 વાગ્યે એક લાઈનમાં ચુકાદો સંભળવતા અલ્હાબાદ હાઈકોર્ટને ચુકાદો આપવાની લીલીઝંડી આપી દીધી હતી. આખરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે 30 સપ્ટેમ્બરે બપોરે સાડા ત્રણ કલાકે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના ત્રણ જજોની ખંડપીઠના એક જજ જસ્ટિસ ધર્મવીર શર્મા 1 ઓકટોબરે સેવાનિવૃત થઈ રહ્યાં છે. તેમની નિવૃતિને ધ્યાનમાં રાખીને પણ ચુકાદાની સુનાવણીની પ્રક્રિયા તેમની નિવૃતિ પહેલા થાય તે જરૂરી હતી. ચુકાદો ટાળવાની અરજી પર સુનાવણી કરનારા ખંડપીઠમાં જસ્ટિસ સ્વતંત્ર કુમારના સ્થાને જસ્ટિસ આફતાબ આલમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સુનાવણી જસ્ટિસ એસ.એચ.કપાડિયા, જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ કે.એસ.રાધાકૃષ્ણને કરી હતી. તો લખનૌ ખંડપીઠમાં પણ જસ્ટિસ એસ.યુ.ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે બે સમુદાય વચ્ચે વિવાદનું કારણ બની ગયેલા મુદ્દા પર સુનાવણી દરમિયાન ન્યાયતંત્રે પોતાની તટસ્થતા જાળવી રાખી છે. ભારતીય ન્યાયતંત્ર પોતાની તટસ્થતા માટે વિશ્વમાં ખ્યાતનામ છે.

આ ચુકાદા બાદ વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલ ઉચ્ચાધિકાર સંત સમિતિ સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠક બાદ વિશ્વ હિંદુ પરિષદ પોતાના ભવિષ્યની રણનીતિ અને કાર્યનીતિની ઘોષણા કરશે. તો બીજી તરફ વડાપ્રધાને સાંજે પાંચ કલાકે પોતાના નિવાસસ્થાને આપાતકાલિન બેઠક બોલાવી છે. તો ભાજપ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને ચુકાદા બાદ 6-30 કલાકે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું છે.  ચુકાદા બાદની સંભવિત કોઈપણ અતિરેકભરી પ્રતિક્રિયા ટાળવા માટે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત કરાયો હોવાના દાવા કરાયા છે. (સૌજન્ય:દિવ્યભાસ્કર)

Advertisements

અયોધ્યા ઘટનાક્રમ(૧૫૨૮થી૨૦૧૦)


અયોધ્યામાં વિવાદાસ્પદ ભૂમિનો મુદ્દો સદીઓથી એક ભાવનાત્મક મુદ્દો રહ્યો છે. આ મુદ્દા અંગે વિભિન્ન હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ કાનૂની દાવા કર્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ અંગેનો ઈતિહાસ અને ઘટનાક્રમ નીચે જણાવ્યા પ્રમાણે છે.

૧૫૨૮ : મોગલ રાજા બાબરે મસ્જિદ બનાવી. એ જગ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને ત્યાં પહેલાં મંદિર હોવાનો હિન્દુઓનો દાવો છે.

૧૮૫૩ : વિવાદાસ્પદ ભૂમિ પર કોમવાદી હિંસા સંબંધિત ઘટનાઓનો પ્રથમ રેકોર્ડ

૧૮૮૫ : મહંત રઘુવીરદાસે એક અરજી કરીને રામ ચબૂતરા ખાતે છત્રી બનાવવાની મંજુરી માગી પરંતુ ફૈઝાબાદની જિલ્લા કોર્ટે અરજી ફગાવી દીધી.

૧૯૪૯ : મસ્જિદમાં ભગવાન રામની પ્રતિમાઓ દેખાઇ. પ્રતિમાઓ હિન્દુઓએ મૂકી હોવાનો મુસ્લિમોએ દાવો કર્યો. બન્ને પક્ષોએ દીવાની દાવા કર્યા, સરકારે પરિસરને વિવાદાસ્પદ ક્ષેત્ર જાહેર કરીને દ્વાર બંધ કર્યાં.

૧૮ જાન્યુઆરી, ૧૯૫૦ : ગોપાલસિંહ વિશારદે માલિકીહક અંગે પ્રથમ દાવો કર્યો. પ્રતિમાઓની પૂજા કરવાનો અધિકાર માગ્યો. અદાલતે મંજુરી આપી.

૨૪ એપ્રિલ, ૧૯૫૦ : યુપી રાજ્યનો મનાઇહુકમ, મનાઇહુકમ સામે અપીલ.

૧૯૫૦ : રામચંદ્ર પરમહંસે વધુ એક દાવો દાખલ કર્યો પરંતુ પછીથી પાછો ખેંચી લીધો.

૧૯૫૯ : નિર્મોહી અખાડો પણ વિવાદમાં સામેલ થયો, ત્રીજો દાવો કર્યો, કોર્ટ દ્વારા નિયુક્ત રિસીવર હટાવવા અને સ્થળના કબજાની માગ કરી, પોતાને સ્થળના સંરક્ષક બતાવ્યા.

૧૮ ડિસેમ્બર ૧૯૬૧ : ઉ.પ્ર. સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઓફ વકફ પણ વિવાદમાં સામેલ થયું, બોર્ડે મસ્જિદ અને આસપાસની ભૂમિ પર પોતાની માલિકીનો દાવો કર્યો.

૧૯૮૬ : હરશિંકર દુબેની અરજી પર જિલ્લા જજે દર્શન કરવા માટે મસ્જિદનો દરવાજો ખોલવાનો આદેશ આપ્યો, મુસ્લિમોએ બાબરી મસ્જિદ પગલાં સિમતિની રચના કરી.

૧૯૮૯ : વિહપિના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ દેવકી નંદન અગ્રવાલે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચ સમક્ષ એક નવી અરજી દાખલ કરીને માલિકીહક્ક અને તેનો કબજો ભગવાન રામના નામે જાહેર કરવાનો અનુરોધ કર્યો.

૨૩ ઓક્ટોબર, ૧૯૮૯ : ફૈઝાબાદમાં પડતર બધા જ ચારે દાવા હાઇકોર્ટની ખાસ બેંચને ટ્રાન્સફર કરાયા.

૧૯૮૯ : વિહિપે વિવાદાસ્પદ મસ્જિદ પાસેની જમીન પર રામમંદિરનું શિલારોપણ કર્યું.

૧૯૯૦ : વિહપિના કાર્યકરોએ મસ્જિદને આંશિક નુકસાન કર્યું, તે વખતના વડાપ્રધાન ચંદ્રશેખરે મંત્રણા દ્વારા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો.

૬ ડિસેમ્બર, ૧૯૯૨ : વિહિપ, શિવસેના અને ભાજપના સમર્થનમાં હિન્દુ સ્વયંસેવકો (કારસેવકો)એ વિવાદાસ્પદ મસ્જિદ ધ્વસ્ત કરી. તેના કારણે સમગ્ર દેશમાં કોમી હિંસા ફાટી નીકળતાં ૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા.

૧૬ ડિસેમ્બર, ૧૯૯૨ : વિવાદાસ્પદ માળખા તોડી પાડવાની તપાસ કરવા માટે જસ્ટિસ લિબ્રાહન પંચની રચના થઇ. ૬ મહિનામાં તપાસ પૂરી કરવાનું જણાવવામાં આવ્યું.

જુલાઇ, ૧૯૯૬ : અલ્હાબાદ હાઇકોર્ટે બધા જ દીવાની દાવાઓ અંગે એક્સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો.

૨૦૦૨ : વિવાદાસ્પદ જમીન નીચે કોઇ મંદિર હતું કે કેમ? ખોદકામ કરીને તે શોધી કાઢવા હાઇકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આદેશ આપ્યો.

એપ્રિલ, ૨૦૦૨ : હાઇકોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓએ સુનાવણી શરૂ કરી.

જાન્યુઆરી,૨૦૦૩ : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અદાલતના આદેશથી વિવાદાસ્પદ સ્થળે ભગવાન રામનું મંદિર હતું કે કેમ ? તે શોધી કાઢવા માટે ખોદકામ શરૂ કર્યું.

ઓગસ્ટ, ૨૦૦૩ : સર્વેક્ષણે જણાવ્યું કે, મસ્જિદની નીચે મંદિરના પુરાવા છે, મુસ્લિમોએ આ તારણો સામે વાંધો ઉઠાવ્યો.

જુલાઇ, ૨૦૦૫ : શંકાસ્પદ આતંકવાદીઓએ વિવાદાસ્પદ સ્થળે હુમલો કર્યો, સલામતી દળોએ પાંચ આતંકવાદીઓને મારી નાખ્યા.

જુન, ૨૦૦૯ : લિબ્રાહન પંચે તપાસ શરૂ કર્યાના ૧૭ વર્ષ બાદ અહેવાલ સુપરત કર્યો. દરમિયાન પંચની મુદ્દત ૪૮ વાર લંબાવવામાં આવી.

૨૬ જુલાઇ, ૨૦૧૦ : અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે દાવાઓ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો, ચુકાદો જાહેર કરવા માટે ૨૪ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી.

૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૦ : એક પક્ષકાર આરસી ત્રિપાઠીએ કરેલી વિનંતી મુજબ ચુકાદો જાહેર કરવાનું મોકૂફ રાખવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો.

૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૦ : ત્રિપાઠીએ હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટમાં અરજી રજુ કરી, કેસ હાથ ધરવા ન્યાયમૂર્તિઓ અલ્તમસ કબીર અને એકે પટનાયકની બેંચે ઇનકાર કર્યો. ત્રિપાઠીની અરજી અન્ય બેંચને રીફર કરાઇ.

૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૦ : અરજી દાખલ કરવા અંગે ન્યાયમૂર્તિઓ આરવી રવીન્દ્રન અને એચએલ ગોખલેના અભિપ્રાયમાં મતભેદ થયો, કોર્ટે પક્ષકારોને નોટિસ જારી કરી.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૦ : હાઇકોર્ટનો ચુકાદો મોકૂફ રાખવાની ત્રિપાઠીની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી. હાઇકોર્ટે ચુકાદો જાહેર કરવા માટે ૩૦મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી

[ Cout.  www.divyabhaskar.com  ]